Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદની નવનિર્મિત મનપામાં પહેલા વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી, પાણી ભરાતાં કામગીરી સામે સવાલ

Nadiad News: નડિયાદ મહાનગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના નવીનીકરણને હજુ થોડાક જ મહિનાઓનો સમય વીત્યો છે. ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરી સપાટી પર આવી ગઈ છે. મહાનગરપાલિકાના બીજા માળ પર તૈયાર કરાયેલા કોમ્યુનિટી હોલમાં વરસાદી પાણીનો મોટો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
Admin
AdminUpdated on: 19 Jun 2026 06:22 PM IST
નડિયાદની નવનિર્મિત મનપામાં પહેલા વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી, પાણી ભરાતાં કામગીરી સામે સવાલનડિયાદની નવનિર્મિત મનપામાં પહેલા વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી, પાણી ભરાતાં કામગીરી સામે સવાલ

Nadiad News: નડિયાદ મહાનગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના નવીનીકરણને હજુ થોડાક જ મહિનાઓનો સમય વીત્યો છે. ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરી સપાટી પર આવી ગઈ છે. મહાનગરપાલિકાના બીજા માળ પર તૈયાર કરાયેલા કોમ્યુનિટી હોલમાં વરસાદી પાણીનો મોટો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને લોકોમાં તંત્રની આ પ્રકારની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં બીજા માળ પર આવેલા આ  કોમ્યુનિટી હોલની અંદર થોડા સમય પહેલા પીઓપી અને  લાઈટિંગની કામગીરી કરવામાં આવી હતી. આ બિલ્ડિંગના લોકાર્પણને હજુ વધુ સમય થયો નથી, ત્યાં સામાન્ય વરસાદમાં જ હોલની છતમાંથી પાણી ટપકવાને બદલે સીધો ધોધ વહેતો થઈ ગયો હતો. હોલની અંદર પાણી ભરાઈ જતાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી પીઓપી અને લાઈટિંગની સુવિધાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હોલની છતમાંથી વહેતું થયેલું આ વરસાદી પાણી વહીને સીધું કમિશનરની ઓફિસ સુધી પહોંચી ગયું હતું. ઉચ્ચ અધિકારીની ઓફિસ સુધી પાણી પહોંચી જતાં વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ આ નબળી કામગીરી જોઈને લાલઘૂમ થઈ ગયા હતા. સરકારી બિલ્ડિંગની અંદર જ આ પ્રકારે પાણી ફરી વળતાં હોલની સુરક્ષા અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સામાન્ય નાગરિકોમાં એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, જે મહાનગરપાલિકા તંત્ર પોતાના જ મુખ્ય બિલ્ડિંગનું કામ સરખી રીતે કરાવી શકતું નથી અને તેના પર દેખરેખ રાખી શકતું નથી, તે શહેરના અન્ય વિકાસકામો પર કેવી રીતે નજર રાખશે. પોતાના જ ઘર સમાન કચેરીમાં જો આટલી મોટી બેદરકારી થતી હોય તો બહાર થતા કામોની ગુણવત્તા કેવી હશે તે બાબત હવે નગરજનોમાં ચર્ચાનો વિષય બની છે.

સમગ્ર મામલો ગંભીર બનતા મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરીએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે. આ કામગીરીમાં જે કોઈ પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા ભૂલ સામે આવશે તો તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે અને આ મામલે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

કમિશનરે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, જો આ સમગ્ર બાંધકામ અને નવીનીકરણમાં કોન્ટ્રાક્ટરની ભૂલ સાબિત થશે તો તેને તાત્કાલિક અસરથી શો-કોઝ નોટિસ ફટકારવામાં આવશે. આ સાથે જ હોલની અંદર થયેલું તમામ નુકસાન અને રિપેરિંગની કામગીરી કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે જ કરીને આપવી પડશે. પાલિકા તંત્ર આ નુકસાનીનો એક પણ રૂપિયો ભોગવશે નહીં અને જવાબદારો સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.