નડિયાદમાં કાંસ સફાઈ દરમિયાન તંત્રની બેદરકારી આવી સામે, ગંદા પાણીના છાંટાથી વાહનચાલકો પરેશાન



નડિયાદમાં કાંસ સફાઈ દરમિયાન તંત્રની બેદરકારી આવી સામે, ગંદા પાણીના છાંટાથી વાહનચાલકો પરેશાન



નડિયાદ નડિયાદ શહેરમાં કાંસ સફાઈ કામગીરી દરમિયાન મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સરદાર સ્ટેચ્યુ નજીક આવેલા કાંસમાંથી બહાર કાઢવામાં આવતી ગંદકીને ડમ્પરમાં ભરી કમળા નજીક આવેલી ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં આવી રહી હતી, ત્યારે ડમ્પરના પાછળના ભાગને યોગ્ય રીતે બંધ ન કરવામાં આવતા રસ્તા પર ગંદકી અને ગંદા પાણી વહેતા જોવા મળ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડમ્પરમાં ભરાયેલા કાંસના ગંદા પાણીના ફુવારા સમગ્ર રસ્તા દરમિયાન બહાર નીકળતા રહ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા અનેક વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ડમ્પરમાંથી ઉછળતા ગંદા પાણીના છાંટા અન્ય વાહનો અને લોકો પર પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકા દ્વારા આવી સામાન્ય બાબતોમાં પણ પૂરતી કાળજી લેવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવી બેદરકારી દાખવનારા ડમ્પર ચાલકો અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
સમગ્ર મામલે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ ચાલકને કરવામાં આવશે અને આગામી સમયમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.




