માતા ડેપ્યૂટી મેયર 'ને દીકરો મેયર... 23 વર્ષની ઉંમરે તુષારે બ્રિટનમાં ઇતિહાસ રચ્યો



માતા ડેપ્યૂટી મેયર 'ને દીકરો મેયર... 23 વર્ષની ઉંમરે તુષારે બ્રિટનમાં ઇતિહાસ રચ્યો



Tushar Kumar Mayor: બ્રિટન હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે, જેનાથી દરેક હરિયાણવી ગર્વ અનુભવી રહ્યો છે. રોહતકના 23 વર્ષીય તુષાર કુમાર બ્રિટનમાં એલ્સ્ટ્રી અને બોરહેમવુડ ટાઉન કાઉન્સિલના સૌથી યુવા ભારતીય મૂળના મેયર તરીકે ચૂંટાયા છે. તેમની માતા પરવીન રાની પણ હર્ટ્સમેર બરો કાઉન્સિલના ડેપ્યુટી મેયર બન્યા છે. આ સિદ્ધિથી દેશભરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
તુષાર કુમારનો વિજય કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નહોતો. તેમણે લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને કુલ 832 મત મેળવ્યા છે. જો કે, વાસ્તવિક આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખૂબ જ સ્પર્ધાત્મક રીતે તેમણે કન્ઝર્વેટિવ ઉમેદવારને માત્ર એક મતથી હરાવ્યો હતો.
મતગણતરી પછી પરિણામ વધુ ઐતિહાસિક બન્યું હતું. કારણ કે, લગભગ 30 વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટીનું વર્ચસ્વ ધરાવતી બેઠક પર એક નવો ચહેરો વિજયી બન્યો છે. તુષાર બ્રિટનના ભારતીય મૂળના સૌથી યુવા મેયર બન્યા છે.
અહેવાલો અનુસાર, તુષાર મૂળ હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે 10 વર્ષનો થયો ત્યાં સુધી ત્યાં જ રહ્યો હતો. ત્યારબાદ તે તેના માતાપિતા સાથે રોહતકથી યુકે ગયો હતો. જો કે, તેના વતન અને ભારતીય સંસ્કૃતિ સાથેનો તેનો સંબંધ ક્યારેય ડગમગ્યો નથી. તેના માતા-પિતા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે. તુષારે કહ્યુ કે, ‘મારી માતાએ મને મારી સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલા રહેવાનું શીખવ્યું છે.’




