Get News Alerts

Never miss breaking news updates.

મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, 1.59 લાખ બોરી બળીને ખાખ

મોરબીની રફાળેશ્વર GIDCમાં આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીના ગોડાઉનમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળતાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિશાળ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગ બાદ કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઘટનાને લઈને કૌભાંડની સંભાવનાને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 03:23 PM IST
મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, 1.59 લાખ બોરી બળીને ખાખમોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, 1.59 લાખ બોરી બળીને ખાખ

મોરબીની રફાળેશ્વર GIDCમાં આવેલી બંધ સિરામિક ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળતાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો વિશાળ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. અંદાજે 1.59 લાખ બોરી મગફળી આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વચ્ચે આગ અકસ્માત હતી કે તેની પાછળ કોઈ કૌભાંડ છે, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.

બંધ સિરામિક ફેક્ટરીમાં રાખવામાં આવ્યો હતો મગફળીનો જથ્થો

મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. અહીં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

1.59 લાખ બોરી મગફળી હોવાનો દાવો

સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં અંદાજે 1.59 લાખ બોરી મગફળી રાખવામાં આવી હતી. આગ લાગતાં હજારો મણ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આગે સમગ્ર ગોડાઉનને લીધો ઝપેટમાં

શનિવારે અચાનક લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મેજર કોલ જાહેર, અનેક શહેરોના ફાયર ફાઇટરો પહોંચ્યા

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. મોરબી ઉપરાંત વાંકાનેર અને રાજકોટ સહિતના ફાયર સ્ટેશનમાંથી કુલ સાત જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આગ પાછળ કૌભાંડની ચર્ચા, કારણ અંગે તપાસ શરૂ

આ ગોડાઉનમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આગ અકસ્માતે લાગી કે ઇરાદાપૂર્વક લગાવવામાં આવી તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.