મીરા કપૂરે બતાવ્યો પોતાનો 'હેલ્થ બાર', બાળકોમાં હેલ્ધી સ્નેકિંગની આદત વિકસાવવાનો અનોખો પ્રયાસ



મીરા કપૂરે બતાવ્યો પોતાનો 'હેલ્થ બાર', બાળકોમાં હેલ્ધી સ્નેકિંગની આદત વિકસાવવાનો અનોખો પ્રયાસ



અભિનેતા શાહિદ કપૂરની પત્ની અને ઉદ્યોગસાહસિક મીરા કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર ફરી એકવાર પોતાની હેલ્ધી લાઇફસ્ટાઇલની ઝલક શેર કરી છે. મીરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના ઘરમાં બનાવેલા ખાસ 'હેલ્થ બાર'નો પરિચય કરાવ્યો. આ હેલ્થ બાર બાળકોના સ્નેક કાઉન્ટરની બાજુમાં બનાવવામાં આવ્યો છે, જેથી પરિવારના દરેક સભ્યને પૌષ્ટિક નાસ્તાની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે.
મીરાએ જણાવ્યું કે લાંબા સમયથી તેઓ રસોડામાં અલગ-અલગ જગ્યાએ રાખેલા નટ્સ, સીડ્સ, સુપરફૂડ્સ અને હેલ્ધી પાઉડરને એક જ જગ્યાએ સુંદર રીતે ગોઠવવા માંગતા હતા. તેમના મતે, જ્યારે પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓ આંખ સામે રહે છે ત્યારે તેને રોજિંદા જીવનનો ભાગ બનાવવો વધુ સરળ બની જાય છે.
વીડિયોમાં મીરા જણાવે છે કે સાંજે બાળકોને ભૂખ લાગે ત્યારે તેઓ વારંવાર "શું ખાઈએ?" એવો સવાલ પૂછે છે. આવી સ્થિતિમાં જો હેલ્ધી વિકલ્પો સરળતાથી નજરે પડે તો બાળકો પણ ચિપ્સ કે જંક ફૂડની જગ્યાએ પૌષ્ટિક નાસ્તો પસંદ કરે છે.
તેમના હેલ્થ બારમાં બદામ, અખરોટ, પિસ્તા સહિત વિવિધ નટ્સ ઉપરાંત ચિયા, ફ્લેક્સ અને અન્ય સીડ્સ રાખવામાં આવ્યા છે. સાથે જ એનએમએન પાઉડર, સ્પિરુલિના અને મોરિંગા પાઉડર જેવા સુપરફૂડ્સ પણ પારદર્શક જારમાં ગોઠવવામાં આવ્યા છે. મીરાએ જણાવ્યું કે તેમને મોરિંગા અને સ્પિરુલિના પાઉડર નાળિયેરના પાણી સાથે પીવાનું પસંદ છે.
આ ઉપરાંત મખાણા, ખજૂર, સુકા ક્રેનબેરી, પ્રોટીન બાર, રાજગીરા ચિક્કી, રાઈસ ક્રિસ્પી તેમજ ઘરે બનાવેલા સીડ અને નટ બાર પણ હેલ્થ બારમાં સામેલ છે. મીરાનું માનવું છે કે હેલ્ધી જીવનશૈલી અપનાવવાની શરૂઆત નાના ફેરફારોથી થાય છે. જો પૌષ્ટિક ખોરાક સરળતાથી ઉપલબ્ધ અને નજર સામે રહે તો આખો પરિવાર સ્વસ્થ સ્નેકિંગની આદત સરળતાથી વિકસાવી શકે છે. મીરા કપૂર સોશિયલ મીડિયા પર આરોગ્ય, વેલનેસ, પરિવાર અને જીવનશૈલી સંબંધિત વિષયો પર નિયમિત રીતે પોતાના વિચારો અને અનુભવો શેર કરતી રહે છે.




