માયા આહીર-કીર્તિદાન ગઢવી વિવાદે લીધું રાજકીય રંગ! 'ટેક્સના પૈસે ડાયરા'ના આરોપોથી સોશિયલ મીડિયામાં મચ્યો બખેડો

લોકગાયિકા માયા આહીરના ટેક્સ અંગેના વિવાદિત નિવેદન બાદ હવે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માયા આહીર અને લોકગાયક કીર્તિદાન ગઢવી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. સાથે જ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં થયેલા ખર્ચને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
Rahul Desai
Rahul Desai
માયા આહીર-કીર્તિદાન ગઢવી વિવાદે લીધું રાજકીય રંગ! 'ટેક્સના પૈસે ડાયરા'ના આરોપોથી સોશિયલ મીડિયામાં મચ્યો બખેડોમાયા આહીર-કીર્તિદાન ગઢવી વિવાદે લીધું રાજકીય રંગ! 'ટેક્સના પૈસે ડાયરા'ના આરોપોથી સોશિયલ મીડિયામાં મચ્યો બખેડો

રાજકોટ: લોકગાયિકા માયા આહીર અને લોકગાયક કીર્તિદાન ગઢવીને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બંને કલાકારોને આડેહાથ લીધા છે.

પુરુષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે પ્રજાના ટેક્સના પૈસામાંથી મહાનગરપાલિકા દ્વારા માયા આહીર અને કીર્તિદાન ગઢવીના ડાયરાના પેમેન્ટ કરવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગે ડાયરા કાર્યક્રમો પાછળ આશરે પોણા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

આ સાથે સોશિયલ મીડિયા પર કેટલાક બિલ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ડાયરા કાર્યક્રમોના ખર્ચ અંગે દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ વાયરલ દસ્તાવેજોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સુરતમાં યોજાયેલા એક ડાયરામાં માયા આહીરે ટેક્સને લઈને કરેલા નિવેદન બાદ ભારે ચર્ચા અને ટીકા શરૂ થઈ હતી. હવે આ મુદ્દે નવા આક્ષેપો થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

હાલ મહાનગરપાલિકા અથવા બંને લોકકલાકારો તરફથી આ નવા આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.