કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં કેરી અન્નકૂટે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા



કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં કેરી અન્નકૂટે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા



અમદાવાદ (મણિનગર): 200 વર્ષ જૂની ગઢડા-વડતાલ પરંપરાની યાદ સાથે હજારો ભક્તો થયા ધન્ય, સંતોએ કેરીના માધ્યમથી આપ્યો જીવન સંદેશ આપ્યો હતો.
શહેરના મણિનગર સ્થિત શ્રી કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ અને આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અહીં ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ભવ્ય 'કેરીનો મનોરથ' યોજવામાં આવ્યો હતો, જેમાં 21 પ્રકારની અવનવી મેંગો ડિશ તૈયાર કરીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લઈને હજારો હરિભક્તો ધન્ય બન્યા હતા.
આ પ્રસંગે મંદિર પરિસરમાં ખાસ ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ કેરી આધારિત વિવિધ વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ભક્તિભાવથી ભરપૂર અન્નકૂટનું આયોજન પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રેરણાદાયી પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના સમયની 200 વર્ષ જૂની ગઢડા અને વડતાલની કેરી પરંપરા આજે પણ જીવંત છે. તેમણે કહ્યું કે અગાઉના સમયમાં દેશ-વિદેશના ભક્તો ભગવાન માટે ઉત્તમ કેરીઓ મોકલતા હતા અને તેનો રસ બનાવી સંતો તથા હરિભક્તોને પંગતમાં પીરસવામાં આવતો હતો.
સાધુ પ્રેમવત્સલદાસજીએ કેરીના માધ્યમથી માનવ જીવનની સરસ ઉપમા આપતાં જણાવ્યું હતું કે જેમ કાચી કેરી તુરી અને કડવી હોય છે, સમય સાથે તે ખાટી બને છે અને અંતે સંપૂર્ણ પાકીને મીઠી અને રસદાર બને છે, તેમ માનવ જીવન પણ ધીમે ધીમે સત્સંગ અને ભગવાનના આશ્રયથી પરિવર્તિત થાય છે. તેમણે કહ્યું કે સત્સંગથી માણસના જીવનમાં ક્રોધ, અહંકાર અને કડવાશ દૂર થઈ દયા, નમ્રતા અને પ્રેમ જેવા ગુણો વિકસે છે.




