ગુજરાતનો ઐતિહાસિક વિજય: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ‘ગોલ્ડન ચેમ્પિયન’



ગુજરાતનો ઐતિહાસિક વિજય: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ‘ગોલ્ડન ચેમ્પિયન’



‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ગુજરાતના પ્રથમ કાયકર બન્યા છે.
કેરળના કોઝિકોડ જિલ્લામાં ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના પડકારજનક રેપિડ્સ પર યોજાયેલી આ સ્પર્ધામાં ભારત સહિત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10થી વધુ દેશોના કાયકરોએ ભાગ લીધો હતો.
‘બોટર ક્રોસ’ અને ‘ડાઉનરિવર રેસ’ જેવી કઠિન ઇવેન્ટ્સમાં નચિકેતા ગુપ્તાએ ઝડપ, સંતુલન અને તકનીકી કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોને પાછળ છોડ્યા હતા. વ્હાઇટ વોટર કાયકિંગમાં તેજ પ્રવાહ, વિશાળ મોજાં અને ખડકો વચ્ચે કાયક ચલાવવાની હોવાથી અસાધારણ શારીરિક તથા માનસિક ક્ષમતાની જરૂર પડે છે.
સરકારી ફરજની સાથે સતત તાલીમ અને મહેનતના બળે આ સિદ્ધિ મેળવનારા નચિકેતા અગાઉ સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
નચિકેતાએ આ સફળતાને ગૌરવની ક્ષણ ગણાવી વધુ યુવાનોને વ્હાઇટ વોટર કાયકિંગ જેવી સાહસિક રમતો તરફ આગળ વધવા પ્રેરણા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની સિદ્ધિ ગુજરાતના સાહસિક રમતગમત ક્ષેત્રે નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.





