39મા જન્મદિવસ પહેલા મેસીનો ઐતિહાસિક કારનામો! ફિફા વર્લ્ડ કપમાં બન્યા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી



39મા જન્મદિવસ પહેલા મેસીનો ઐતિહાસિક કારનામો! ફિફા વર્લ્ડ કપમાં બન્યા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી



ડલાસ: ફૂટબોલ જગતના મહાન ખેલાડી અને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ પોતાના 39મા જન્મદિવસના બે દિવસ પહેલા વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. મેસી હવે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. જોકે આ મોટી ઉપલબ્ધિ બાદ પણ મેસીએ જણાવ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન ઉંમર પર નહીં પરંતુ ફિટનેસ અને શ્રેષ્ઠ પ્રદર્શન પર કેન્દ્રિત છે.
ડલાસમાં રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું હતું. આ મુકાબલામાં મેસીએ પ્રથમ હાફમાં ગોલ કરીને જર્મનીના પૂર્વ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝના 16 વર્લ્ડ કપ ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ ફટકારી તેમણે વર્લ્ડ કપમાં પોતાના કુલ ગોલની સંખ્યા 18 સુધી પહોંચાડી દીધી.
મેચ બાદ મેસીએ જણાવ્યું હતું કે, “હું મારી ઉંમર વિશે વિચારવામાં સમય બગાડતો નથી. મારું સંપૂર્ણ ધ્યાન પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા પર છે. હું શારીરિક રીતે ખૂબ સારું અનુભવી રહ્યો છું અને કદાચ એ જ કારણ છે કે હું વધુ સારું પ્રદર્શન કરી શકું છું.”
આ જીત સાથે આર્જેન્ટિના ગ્રુપ-જેમાં 6 અંક સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે. ટીમ બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રિયા કરતાં ત્રણ અંક આગળ છે. વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ 32માં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું છે.
જોર્ડન સામેની આગામી મેચમાં તેઓ રમશે કે નહીં તે અંગે મેસીએ કહ્યું કે અંતિમ નિર્ણય મુખ્ય કોચ લિયોનેલ સ્કાલોની લેશે.
મેસીએ સ્વીકાર્યું કે મેચની નવમી મિનિટે પેનલ્ટી ચૂકાઈ જવાથી ટીમ પર થોડો સમય અસર પડી હતી. ટીમે બે-ત્રણ સરળ તકો પણ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ ખેલાડીઓએ જોરદાર વાપસી કરીને શાનદાર રમત દર્શાવી હતી.
મેસીએ ઉમેર્યું કે, “અમારી ટીમ દરેક મેચમાં જીતવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે મેદાનમાં ઉતરે છે. ક્યારેક અમે વધુ સારું રમીએ છીએ, ક્યારેક થોડું ઓછું, પરંતુ એક વાત નિશ્ચિત છે કે સામે કોઈ પણ પ્રતિસ્પર્ધી હોય, અમે જીત માટે અંત સુધી લડીએ છીએ.”




