West Kutch Police: રજૂઆતના ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા રૂ.35 લાખ પરત


West Kutch Police: રજૂઆતના ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા રૂ.35 લાખ પરત


Tera Tujhko Arpan: કચ્છના મુન્દ્રાની રહેવાસી આશાબેન સિદ્ધપુરાને છેતરપિંડીમાં ગુમાવેલી તેમની જીવનભરની કમાણીના રૂ.35 લાખથી વધુ પરત મળ્યા છે. પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કર્યા બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને માત્ર ત્રણ દિવસમાં રકમ પરત મેળવવામાં સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ડબલ પૈસાની લાલચમાં ફસાયા:
મળતી માહિતી મુજબ, આશાબેન આશરે ત્રણ વર્ષ પહેલાં નોકરીની જરૂરિયાતને કારણે ‘કે.ડી. એન્ટરપ્રાઈઝ’ નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. આ દરમિયાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ આપવામાં આવી હતી. ડબલ પૈસા પરત આપવાની સ્કીમના નામે રકમ લેવામાં આવતી હોવાનું જણાવાયું છે.
આશાબેને અન્ય લોકોને પણ આ કંપની સાથે જોડ્યા હતા. જોકે, જ્યારે નક્કી કરેલી મુદત પૂર્ણ થઈ અને પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો દ્વારા બહાના બતાવવામાં આવ્યા અને અંતે રકમ પરત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત:
પોતાની તથા અન્ય લોકોની રકમ ફસાઈ જતા આશાબેન ન્યાય મેળવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. પબ્લિક ડે દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ સમગ્ર મામલો રજૂ કર્યો હતો.
રજૂઆતને ગંભીરતાથી લઈને હર્ષ સંઘવીએ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને તાત્કાલિક કાર્યવાહી કરવા અને અરજદારને ન્યાય અપાવવા કડક સૂચના આપી હતી.
બીજા જ દિવસે પોલીસ અધિક્ષકે મુલાકાત લીધી:
નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ બીજા જ દિવસે આશાબેન સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.
ત્યારબાદ LCB સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી બાદ માત્ર ત્રણ દિવસમાં રૂ.35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે.
‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ કાર્યવાહી:
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના જણાવ્યા મુજબ, નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ પોલીસે અરજદાર પાસેથી સમગ્ર માહિતી મેળવી હતી અને ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.
આશાબેને શું કહ્યું?
જીવનભરની કમાણી પરત મળતાં આશાબેને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માન્યો હતો. સાથે જ નાગરિકોને અપીલ કરી કે **વધુ વળતર અથવા ડબલ પૈસાની લાલચમાં આવીને અજાણી કે શંકાસ્પદ કંપનીઓમાં રોકાણ ન કરવું.




