લંડન પ્રવાસ પહેલાં કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સંતોનું કઠોર વ્રત, 15 દિવસ વહેલા શરૂ કરશે ‘ધારણા-પારણા’



લંડન પ્રવાસ પહેલાં કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સંતોનું કઠોર વ્રત, 15 દિવસ વહેલા શરૂ કરશે ‘ધારણા-પારણા’



અમદાવાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમ અને સાધુધર્મને સર્વોપરી માનવામાં આવે છે. અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરના સંતો લંડન ધર્મયાત્રા પર જવાના હોવાથી, વિદેશ પ્રવાસ દરમિયાન પણ વ્રતમાં કોઈ ખલેલ ન પડે તે માટે આ વર્ષે ચાતુર્માસનું ‘ધારણા-પારણા’ વ્રત 15 દિવસ વહેલું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

11 જુલાઈથી શરૂ થશે ‘ધારણા-પારણા’નું વ્રત
સામાન્ય રીતે અષાઢી સુદ એકાદશીથી શરૂ થતું ચાતુર્માસનું વિશેષ ‘ધારણા-પારણા’ વ્રત આ વર્ષે 11 જુલાઈ, જેઠ વદ એકાદશીના રોજ શરૂ કરવામાં આવશે. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ આ અંગે માહિતી આપી હતી.
ભગવાનનો વિશિષ્ટ શણગાર અને મહાઆરતી
વ્રતના પ્રારંભ નિમિત્તે 11 જુલાઈના રોજ સવારે 8 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ અને ભવ્ય શણગાર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ વિશેષ મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનનો લાભ લેશે.
ચાતુર્માસ દરમિયાન સંતો ગ્રહણ કરશે વિશેષ નિયમો
25 જુલાઈથી શરૂ થતા પવિત્ર ચાતુર્માસ દરમિયાન સંતો અને હરિભક્તો વિવિધ ધાર્મિક નિયમો અને વ્રતોનું પાલન કરશે. ત્યારબાદ 29 જુલાઈએ કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ગુરુપૂર્ણિમા બાદ સંતો લંડન માટે કરશે પ્રસ્થાન
ભારતમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી પૂર્ણ થયા બાદ 30 જુલાઈના રોજ સંતો લંડન ધર્મયાત્રા માટે રવાના થશે. લંડન પહોંચ્યા બાદ 1 ઓગસ્ટે ત્યાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
વિમાનમાં પણ પાળશે ‘નકોડા ઉપવાસ’
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરના સંતો વિમાન પ્રવાસ દરમિયાન પણ સાધુધર્મના નિયમોમાં કોઈ બાંધછોડ કરતા નથી. અમદાવાદથી લંડન પહોંચે ત્યાં સુધી સંતો ‘નકોડા ઉપવાસ’નું પાલન કરશે. આ દરમિયાન તેઓ અન્ન તો દૂર, પરંતુ પાણીનો એક ઘૂંટડો પણ ગ્રહણ નહીં કરે અને લંડન પહોંચ્યા બાદ જ પારણા કરશે.
1948થી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત્
સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદેશ પ્રચારની શરૂઆત ઈ.સ. 1948માં કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કરી હતી. ત્યારથી શરૂ થયેલી આ ઐતિહાસિક પરંપરાને આજે પણ કુમકુમ મંદિરના સંતો અવિરત રીતે આગળ ધપાવી રહ્યા છે.
દેશ-કાળ બદલાય, પણ નિયમોમાં નહીં આવે ફેરફાર
કુમકુમ મંદિરના સંતોનું માનવું છે કે સ્થળ, સમય કે પરિસ્થિતિ બદલાય, પરંતુ સાધુધર્મના વ્રત, નિયમો અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ જ ભાવના સાથે તેઓ વિદેશ પ્રવાસ દરમિયાન પણ ધાર્મિક મર્યાદાઓનું કડક પાલન કરશે.




