ખોલવડમાં પ્લોટ બુકિંગના નામે ₹1.56 કરોડની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ


ખોલવડમાં પ્લોટ બુકિંગના નામે ₹1.56 કરોડની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ


સુરત: સુરતના કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં પ્લોટ બુકિંગના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સસ્તા ભાવે પ્લોટમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપી વેબ ડિઝાઇનર સહિત 15 જેટલા લોકો પાસેથી કુલ ₹1.56 કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે કામરેજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ખોલવડ ખાતે આવેલા સહજાનંદ નિર્વાણ પ્રોજેક્ટમાં પ્લોટ બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં અમદાવાદના પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. આરોપીઓએ સસ્તા દરે પ્લોટ અપાવવાની અને ભવિષ્યમાં ઊંચો નફો મળવાની લાલચ આપી રોકાણકારો પાસેથી મોટી રકમ વસૂલ કરી હતી.
ફરિયાદ અનુસાર, સુરતના એક વેબ ડિઝાઇનર સહિત અંદાજે 15 જેટલા ગ્રાહકો પાસેથી કુલ ₹1.56 કરોડ લેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં પ્લોટ બુકિંગ અને રોકાણ અંગે વિવાદ ઊભો થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ મામલે ફરિયાદના આધારે કામરેજ પોલીસે ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કંઠ ઠક્કર સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે સત્ય સંકલ્પ બિલ્ડકોનના ભાગીદાર અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી છે.
પોલીસ હાલ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. ઉપરાંત, છેતરપિંડીથી એકત્ર કરવામાં આવેલી રકમના વ્યવહારો અને અન્ય કોઈ લોકો સાથે પણ છેતરપિંડી થઈ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




