ખેડામાં યાત્રિકોથી ભરેલી લક્ઝરી બસ પલટી; મહિલાનું મોત, 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત



ખેડામાં યાત્રિકોથી ભરેલી લક્ઝરી બસ પલટી; મહિલાનું મોત, 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત



ખેડા: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. યાત્રિકોથી ભરેલી લક્ઝરી બસ અચાનક પલટી જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ અધિક માસના પવિત્ર અવસરને લઈ સાણંદથી ગળતેશ્વર મહાદેવના દર્શન માટે યાત્રિકો લક્ઝરી બસમાં આવી રહ્યા હતા. આ દરમિયાન અંબાવ ગામ નજીક બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી.
અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વધુ સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બસ પલટી જવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.




