ખંભાળિયા-પોરબંદર હાઈવે પર પેટ્રોલ ટેન્કર પલટાયું: લીકેજથી ભયનો માહોલ, 11 કલાક બાદ ટ્રાફિક શરૂ


ખંભાળિયા-પોરબંદર હાઈવે પર પેટ્રોલ ટેન્કર પલટાયું: લીકેજથી ભયનો માહોલ, 11 કલાક બાદ ટ્રાફિક શરૂ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બાદ ટેન્કર રોડની વચ્ચે પલટી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પર અચાનક પશુ આવી જતાં ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે પેટ્રોલ ભરેલું ટેન્કર ટ્રક સાથે અથડાયું હતું અને ત્યારબાદ પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ લીકેજ થતા હાઇવે પર પેટ્રોલ ફેલાઈ ગયું હતું, જેના કારણે આગ લાગવાની સંભાવનાને પગલે ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે હાઇવે પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પણ બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પેટ્રોલ લીકેજને નિયંત્રિત કરવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કામગીરી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા, સાવચેતી રાખવા અને આગ કે ધૂમ્રપાનથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. પેટ્રોલ લીકેજના કારણે ટેન્કરને હટાવવાની કામગીરીમાં સમય લાગતા હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગ અને પોલીસની સતત 11 કલાકની મહેનત બાદ લીકેજ અટકાવવામાં આવ્યું હતું અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઇવે પરનો વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.




