કેન્યામાં આગની દુર્ઘટનામાં 16 વિદ્યાર્થિનીઓના મોત, મોરારિબાપુએ 2.40 લાખની સહાય જાહેર કરી



કેન્યામાં આગની દુર્ઘટનામાં 16 વિદ્યાર્થિનીઓના મોત, મોરારિબાપુએ 2.40 લાખની સહાય જાહેર કરી



Moraribapu: કેન્યામાં બનેલી દુઃખદ આગની ઘટનામાં 16 વિદ્યાર્થિનીઓનાં મોત નીપજ્યા છે. ત્યારે મોરારિબાપુએ આ અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો છે અને દરેક વિદ્યાર્થિનીના પરિવારને સહાયની જાહેરાત કરી છે.
મળતી માહિતી અનુસાર, કેન્યાના મધ્ય ભાગમાં આવેલા નાકુરુ શહેરમાં ગુરુવાર મોડી રાત્રે એક કન્યા વિદ્યાર્થીનીઓના હોસ્ટેલમાં આગ લાગી હતી. ત્યારે ત્યાં અભ્યાસ માટે રહેતી અનેક વિદ્યાર્થિનીઓમાંથી 16 બાળાઓના આ દુર્ઘટનામાં કરુણ મોત થયા હતા.
લાતુર જિલ્લાના કિલ્લારી ખાતે ચાલી રહેલી રામકથાના દરમિયાન મોરારિબાપુને આ દુઃખદ ઘટનાની જાણ થઈ હતી. ત્યારે બાપુએ મૃતક વિદ્યાર્થિનીઓના પરિવારોને રૂ. 15,000ની આર્થિક સહાય જાહેર કરી છે. આ મુજબ કુલ રૂ. 2.40 લાખની સહાય નૈરોબીમાં રામકથા સાથે સંકળાયેલા ભક્તો દ્વારા પહોંચાડવામાં આવશે.
મોરારિબાપુએ ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે, દિવંગત આત્માઓને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. તેમણે તમામ શોકસંતપ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પણ વ્યક્ત કરી છે.




