બ્રિટનમાં રાજકીય ભૂકંપ! કીર સ્ટાર્મરે PM પદેથી આપ્યું રાજીનામું



બ્રિટનમાં રાજકીય ભૂકંપ! કીર સ્ટાર્મરે PM પદેથી આપ્યું રાજીનામું



લંડન: બ્રિટનની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરતાં દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. બ્રિટિશ મીડિયા મુજબ, લેબર પાર્ટીની અંદર વધતા અસંતોષ, ઘટતી લોકપ્રિયતા અને નેતૃત્વ પરિવર્તનની માંગ વચ્ચે સ્ટાર્મરે આ નિર્ણય લીધો છે. છેલ્લા દસ વર્ષમાં બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપનારા તેઓ સાતમા નેતા બન્યા છે.
સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ સ્ટાર્મરે લેબર પાર્ટીના નેતા પદેથી પણ હટી જવાની જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે પાર્ટીના ઘણા સભ્યો હવે આગામી સામાન્ય ચૂંટણીમાં તેમને યોગ્ય નેતા તરીકે નથી જોતા. સ્ટાર્મરે જણાવ્યું હતું કે તેમણે હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાન આપીને નિર્ણયો લીધા છે અને પાર્ટીના નિર્ણયને તેઓ સ્વીકારી રહ્યા છે.
રાજીનામા બાદ પણ નવા વડાપ્રધાન અને લેબર પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી સ્ટાર્મર કાર્યકારી વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળતા રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના પછી આવનાર નેતાને વધુ મજબૂત બ્રિટન મળશે.
ઉલ્લેખનીય છે કે માત્ર બે વર્ષ પહેલાં જ સ્ટાર્મરે લેબર પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી હતી. જોકે ત્યારબાદ તેમની સરકાર અનેક વિવાદો અને નીતિગત ફેરફારોને કારણે સતત દબાણમાં રહી હતી. ખાસ કરીને વૃદ્ધો માટેના વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ સંબંધિત નિર્ણય અને અમેરિકામાં બ્રિટિશ રાજદૂત તરીકે પીટર મેન્ડેલસનની નિમણૂકને લઈને ભારે વિરોધ થયો હતો.
તાજેતરના જનમત સર્વેક્ષણોમાં લેબર પાર્ટીની લોકપ્રિયતા ઘટી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ રિફોર્મ યુકે પાર્ટી સતત મજબૂત બની રહી છે, જેના કારણે લેબર પાર્ટીના સાંસદોમાં ચિંતા વધી છે. ઘણા સાંસદોનું માનવું છે કે નેતૃત્વમાં ફેરફાર નહીં થાય તો આગામી ચૂંટણીમાં પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે.
આ દરમિયાન નવા વડાપ્રધાનની રેસમાં એન્ડી બર્નહેમનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે. ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર રહી ચૂકેલા 56 વર્ષીય બર્નહેમને પાર્ટીમાં મજબૂત અને લોકપ્રિય નેતા તરીકે જોવામાં આવે છે. તેમના સમર્થકો ‘મેનચેસ્ટરિઝમ’ નામની આર્થિક વિકાસની વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે, જે માન્ચેસ્ટરના સફળ વિકાસ મોડલ પર આધારિત છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો બર્નહેમને નેતૃત્વ સોંપવામાં આવશે તો તેઓ બ્રિટનની આર્થિક નીતિઓમાં મોટા ફેરફારો લાવી શકે છે અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે નવા પ્રયાસો કરી શકે છે. હવે સપ્ટેમ્બર સુધીમાં લેબર પાર્ટી નવા નેતાની પસંદગી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




