ઓમાનના દરિયાકાંઠે GFS ગેલેક્સી જહાજ પર હુમલો, 10 ભારતીયો બચાવાયા


ફાઈલ ફોટો
ઓમાનના દરિયાકાંઠે GFS ગેલેક્સી જહાજ પર હુમલો, 10 ભારતીયો બચાવાયા


ફાઈલ ફોટો
નવી દિલ્હી: ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ ‘GFS ગેલેક્સી’ પર થયેલા હુમલાની ભારતના વિદેશ મંત્રાલયે કડક નિંદા કરી છે. જહાજમાં સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ લાપતા છે. તેની શોધખોળ માટે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
એક ભારતીય લાપતા, દૂતાવાસની સ્થિતિ પર નજર
વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક ભારતીય નાગરિક લાપતા હોવાના અહેવાલ છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ભારતીય દૂતાવાસ ઓમાની અધિકારીઓ સાથે સતત સંકલન કરી લાપતા ભારતીયની શોધ અને બચાવ કામગીરીમાં સહયોગ કરી રહ્યું છે.
કોમર્શિયલ જહાજો પર હુમલા ચિંતાજનક: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓને અત્યંત ચિંતાજનક ગણાવ્યા છે. ભારતે તણાવ ઘટાડવા માટે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પોતાના વલણને ફરી દોહરાવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું કે કોમર્શિયલ જહાજો અને નાગરિક માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો પર મુક્ત અને અવરોધરહિત નૌકાવહન તથા વેપાર વહેલી તકે પુનઃસ્થાપિત થવો જરૂરી છે.
બચાવ કામગીરી માટે ઓમાનનો માન્યો આભાર
ભારતે બચાવ અને રાહત કામગીરીમાં સહયોગ બદલ ઓમાનના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય દૂતાવાસ ઓમાની તંત્ર સાથે સતત સંપર્કમાં છે અને ચાલી રહેલા સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યું છે.
હુમલા બાદ જહાજમાં આગ, એન્જિન રૂમને ભારે નુકસાન
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, સાયપ્રસના ધ્વજવાળા GFS ગેલેક્સી જહાજ પર હોર્મુઝ વિસ્તારમાં હુમલો થયો હતો. હુમલાને કારણે જહાજમાં આગ લાગી હતી અને એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું.
નુકસાનને કારણે જહાજ આગળની મુસાફરી ચાલુ રાખી શક્યું નહોતું. હુમલાની ઘટના બાદ એક ક્રૂ સભ્ય લાપતા હોવાનું પણ જણાવાયું છે.




