કપરાડામાં વધતા અકસ્માતો વચ્ચે પોલીસ એક્શનમાં, મોડિફાઇડ બાઇકો સામે શરૂ કરાયું ખાસ અભિયાન



કપરાડામાં વધતા અકસ્માતો વચ્ચે પોલીસ એક્શનમાં, મોડિફાઇડ બાઇકો સામે શરૂ કરાયું ખાસ અભિયાન



વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અકસ્માતો પર અંકુશ લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે કપરાડા પોલીસ દ્વારા મોડિફાઇડ બાઇકો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
પી.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાલુકાના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ગેરકાયદેસર રીતે મોડિફાઇડ કરાયેલી બાઇકો, કાનફાટ અવાજ કરતા સાયલેન્સર ધરાવતા વાહનો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી દરમિયાન માત્ર બે દિવસમાં 22 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
પી.આઈ. ડી.એન. વાંઝાએ જણાવ્યું હતું કે, બેફામ ઝડપ, સ્ટંટબાજી, ટ્રાફિક નિયમોની અવગણના અને વાહનોમાં ગેરકાયદેસર ફેરફારો અકસ્માતોના મુખ્ય કારણો બની રહ્યા છે. જેના કારણે કપરાડા પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ અને કડક અમલવારી હાથ ધરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે નાગરિકોને હેલ્મેટ પહેરવા, વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનોમાં ગેરકાયદેસર મોડિફિકેશન ન કરવા અપીલ કરી છે. કપરાડા પોલીસની આ કાર્યવાહીથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે અને માર્ગ સલામતી વધુ મજબૂત બનશે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




