કચ્છના રણમાંથી 100થી વધુ માનવ કંકાલો મળ્યા, પ્રાચીન વસાહતના રહસ્ય પરથી ઉઠશે પડદો


કચ્છના રણમાંથી 100થી વધુ માનવ કંકાલો મળ્યા, પ્રાચીન વસાહતના રહસ્ય પરથી ઉઠશે પડદો


કચ્છના વિશાળ રણમાંથી સામે આવેલી એક પુરાતત્વીય શોધે ગુજરાત સહિત દેશના પ્રાચીન ઇતિહાસ અંગે નવી ચર્ચા જગાવી છે. કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્તારમાં 100થી વધુ માનવ કંકાલો, પ્રાચીન માટીના વાસણો, ટેરાકોટાના રમકડાં અને બાંધકામના અવશેષો મળી આવ્યા છે. પ્રાથમિક અભ્યાસમાં આ સ્થળ અંદાજે 1000થી 1500 વર્ષ જૂનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડૉ. ગૌરવ ચૌહાણની ટીમે સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. મળેલા માનવ કંકાલો એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જે તે સમયની સામાજિક અને ધાર્મિક પરંપરાઓ અંગે મહત્વની માહિતી આપી શકે છે.
મહત્વની વાત એ છે કે આ સ્થળની જાણકારી સૌપ્રથમ BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની ટીમ દ્વારા સ્થળનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણો મુજબ આ સ્થળનો સંબંધ ધોળાવીરા તથા સિંધુખીણ સંસ્કૃતિના ઉત્તર કાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે આ સ્થળના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે કાર્બન ડેટિંગ, DNA પરીક્ષણ સહિતના વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવાની તૈયારી છે. આ માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, ISRO, PRL સહિતની સંસ્થાઓ સાથે સંયુક્ત સંશોધનની શક્યતા છે.
જો વૈજ્ઞાનિક પરીક્ષણોમાં પ્રાથમિક તારણોને સમર્થન મળશે, તો કચ્છના પ્રાચીન ઇતિહાસમાં એક નવું અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાઈ શકે છે.




