રાજકોટ : જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને કોંગ્રેસનો વિરોધ, SIT દ્વારા તપાસની માંગ



ફાઈલ ફોટો
રાજકોટ : જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને કોંગ્રેસનો વિરોધ, SIT દ્વારા તપાસની માંગ



ફાઈલ ફોટો
રાજકોટ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલીશનના ખર્ચને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. શહેર કોંગ્રેસે ડિમોલીશન ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે તપાસ કમિટીના અધ્યક્ષ સી.કે. નંદાણીને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ, પારદર્શક અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ડિમોલીશન કામગીરીમાં થયેલા ખર્ચમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. તેથી માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ દ્વારા નહીં પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે. સાથે જ નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસે માંગ કરી છે કે ડિમોલીશન પાછળ જાહેર નાણાનો કેટલો દુરુપયોગ થયો છે અથવા ભ્રષ્ટાચાર થયો છે તેની સંપૂર્ણ વિગતો જનતા સમક્ષ જાહેર કરવામાં આવે. જો તપાસમાં કોઈ અધિકારી, પદાધિકારી અથવા અન્ય જવાબદાર વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેમની સામે ગુનો નોંધાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસના આગેવાનોએ હાલની તપાસ સમિતિની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તપાસ સમિતિની સરખામણી બિલાડી સાથે કરતાં આક્ષેપ કર્યો કે "બિલાડીને જ દૂધના રખોપાની જવાબદારી સોંપવામાં આવી છે," તેથી આવી તપાસથી સત્ય બહાર નહીં આવે.
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ "કમિશનરની બદલી કરો" અને "ભ્રષ્ટાચારીઓની બદલી કરો" જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
આ મુદ્દે તપાસ કમિટીના અધ્યક્ષ સી.કે. નંદાણી તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.




