જુનાગઢ વોર્ડ નંબર-3માં 12 વર્ષ બાદ મતદાનનો મોકો, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ



જુનાગઢ વોર્ડ નંબર-3માં 12 વર્ષ બાદ મતદાનનો મોકો, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ



જુનાગઢ શહેરના વોર્ડ નંબર-3માં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. લાંબા સમય બાદ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળતા સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુખનાથ ચોક ખાતે આવેલી મારી પ્રાથમિક શાળામાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
વોર્ડ નંબર-3માં કુલ 18 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સુખનાથ ચોક ખાતે આવેલી મારી પ્રાથમિક શાળાના મતદાન મથક પર ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વોર્ડ નંબર-3માં કુલ 13,919 મતદારો નોંધાયેલા છે. લાંબા સમય બાદ મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળતા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વિકાસકામો કરવામાં આવ્યા હોવા છતાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સમસ્યાઓ યથાવત હોવાની ચર્ચા છે.
હવે જોવાનું એ રહેશે કે ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં વોર્ડ નંબર-3ના મતદારો કોના પક્ષમાં પોતાનો મત આપે છે અને અંતે કયા ઉમેદવારના પક્ષમાં જનાદેશ આવે છે. આ પેટાચૂંટણીનું પરિણામ સ્થાનિક રાજકારણની દિશા માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.





