જૂનાગઢના વોર્ડ નં. 1માં પાણી-રસ્તાના કામથી ત્રાહિમામ, સત્તાધારી કોર્પોરેટરો પણ ધરણા પર બેઠા

જૂનાગઢ શહેરના વોર્ડ નં. 1માં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા પાણી અને રસ્તાના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે ઊડતી ધૂળ, તૂટેલા રસ્તા અને અવારનવાર પાણી પુરવઠો ખોરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કામ અધૂરું રહેતા સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
Rahul Desai
Rahul Desai
જૂનાગઢના વોર્ડ નં. 1માં પાણી-રસ્તાના કામથી ત્રાહિમામ, સત્તાધારી કોર્પોરેટરો પણ ધરણા પર બેઠાજૂનાગઢના વોર્ડ નં. 1માં પાણી-રસ્તાના કામથી ત્રાહિમામ, સત્તાધારી કોર્પોરેટરો પણ ધરણા પર બેઠા

જૂનાગઢ શહેરના વોર્ડ નં. 1માં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા પાણી અને રસ્તાના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ખોદકામને કારણે ઊડતી ધૂળ, તૂટેલા રસ્તા અને અવારનવાર પાણી પુરવઠો ખોરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કામ અધૂરું રહેતા સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમસ્યાના નિરાકરણ માટે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય બાદ પણ નક્કર ઉકેલ ન આવતા આખરે સત્તાધારી પક્ષના કોર્પોરેટરોને પણ સ્થાનિકો સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી.

વોર્ડ નં. 1ના સત્તાધારી કોર્પોરેટરો અને સ્થાનિક રહીશો દ્વારા વોટર વર્ક્સ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ પાણી અને રસ્તાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.

ધરણાની જાણ થતાં વોટર વર્ક્સ વિભાગના ઇજનેર અલ્પેશ ચાવડા પણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કોર્પોરેટરો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી સમસ્યા અંગે માહિતી મેળવી હતી.

ઇજનેર અલ્પેશ ચાવડાએ આશ્વાસન આપ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા ટેકનિકલ કામો પૂર્ણ થયા બાદ પાણી અને રસ્તાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. સાથે જ કામ ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હવે તંત્રના આશ્વાસન બાદ કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને સ્થાનિકોને સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર છે.