જુનાગઢ મનપા વોર્ડ નં. 3 પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, અકરમભાઈ કુરેશી 1,998 મતની લીડથી જીત્યા


જુનાગઢ મનપા વોર્ડ નં. 3 પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, અકરમભાઈ કુરેશી 1,998 મતની લીડથી જીત્યા


જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર અકરમભાઈ ઇબ્રાહિમભાઈ કુરેશીએ 1,998 મતની જંગી લીડ સાથે વિજય મેળવતા ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ સર્જાયો છે.
ચૂંટણીના પરિણામ મુજબ ભાજપના ઉમેદવાર અકરમભાઈ ઇબ્રાહિમભાઈ કુરેશીને કુલ 4,834 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,836 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારને 246 મત મળ્યા હતા, જ્યારે 108 મતદારોએ NOTAનો વિકલ્પ પસંદ કર્યો હતો.
પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોએ વિજયની ઉજવણી શરૂ કરી હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને વિજયના નારા સાથે ખુશી વ્યક્ત કરી હતી.
ભાજપના મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયાના નેતૃત્વ હેઠળ સંગઠનની સુવ્યવસ્થિત કામગીરીને આ જીતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. બૂથ સ્તરેથી લઈને વોર્ડ સ્તર સુધી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા સુચારુ આયોજન અને સતત જનસંપર્કના પરિણામે ભાજપને આ વિજય મળ્યો હોવાનું પક્ષના નેતાઓએ જણાવ્યું હતું.
ભાજપના મીડિયા ઇન્ચાર્જ સુરેશ પાનસુરીયાએ પરિણામોની સત્તાવાર માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે આ જીત માત્ર ઉમેદવારની નહીં, પરંતુ સંગઠનની એકતા, કાર્યકરોની મહેનત અને જનતાના વિશ્વાસનો વિજય છે. તેમણે તમામ મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં પણ જનસેવાનું કાર્ય વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




