જુનાગઢમાં ગિરનાર રોપવે સતત 8મા દિવસે બંધ, ભારે પવનના કારણે યાત્રિકોની સુરક્ષાને પ્રાથમિકતા

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગિરનાર રોપવે સતત આઠમા દિવસે પણ બંધ રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલ 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul Desai
જુનાગઢમાં ગિરનાર રોપવે સતત 8મા દિવસે બંધ, ભારે પવનના કારણે યાત્રિકોની સુરક્ષાને પ્રાથમિકતાજુનાગઢમાં ગિરનાર રોપવે સતત 8મા દિવસે બંધ, ભારે પવનના કારણે યાત્રિકોની સુરક્ષાને પ્રાથમિકતા

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગિરનાર રોપવે સતત આઠમા દિવસે પણ બંધ રહ્યો છે. ગિરનાર પર્વત પર હાલ 70થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપવે ઓથોરિટી દ્વારા જણાવ્યા મુજબ, પવનની ગતિ વધુ હોવાના કારણે રોપવેનું સંચાલન કરવું યાત્રિકોની સુરક્ષા માટે જોખમી બની શકે છે. હવામાનની સ્થિતિ સાનુકૂળ બન્યા બાદ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે.

રોપવે બંધ હોવાના કારણે હાલ ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓને જૂની અને નવી સીડીના માર્ગે જ યાત્રા કરવી પડી રહી છે. બંને સીડીના પ્રવેશદ્વાર પર પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને ઇન-આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

ગત મહિને ગિરનાર પર્વત પર 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી મોત નીપજાવ્યાની ઘટના બાદ સુરક્ષાને લઈને તંત્ર દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. જેના પગલે ગિરનારની બંને સીડી પરથી અવરજવર કરતા પ્રવાસીઓની નોંધણી કરવામાં આવી રહી છે.

એક તરફ હળવા વરસાદને કારણે ગિરનારનું જંગલ લીલુંછમ બની ગયું છે અને પર્વતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનારની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓને પગપાળા સીડીઓ ચડીને યાત્રા કરવાની ફરજ પડી રહી છે.

હવામાન સાનુકૂળ બને અને પવનની ગતિ ઘટે ત્યારબાદ રોપવે સેવા ફરી શરૂ થવાની રાહ પ્રવાસીઓ જોઈ રહ્યા છે.