NEET મુદ્દે CJP પ્રતિનિધિમંડળની કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત, વિવિધ માંગણીઓ રજૂ


NEET મુદ્દે CJP પ્રતિનિધિમંડળની કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત, વિવિધ માંગણીઓ રજૂ


નવી દિલ્હી NEET પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે CJP (Cockroach Janata Party)ના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની મુલાકાત કરી હતી. પ્રતિનિધિઓએ પોતાની વિવિધ માંગણીઓ લેખિતમાં રજૂ કરી હતી. નડ્ડાએ આ માંગણીઓ અંગે પક્ષના નેતૃત્વ સાથે આંતરિક ચર્ચા કરવાની ખાતરી આપી હોવાનું CJPએ જણાવ્યું છે.
નડ્ડાને લેખિતમાં રજૂઆત
CJPના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૌરભ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે લાંબી રાહ જોયા બાદ તેમને આશરે 10 મિનિટ સુધી નડ્ડા સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો અને તેમણે પોતાની માંગણીઓ સાથેનો લેખિત પત્ર સોંપ્યો હતો.
આ માંગણીઓ કરવામાં આવી
CJPના જણાવ્યા મુજબ, તેમની મુખ્ય માંગણીઓમાં:
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ,
NEET સંબંધિત ઘટનામાં આત્મહત્યા કરનાર ઉમેદવારોના પરિવારોને ₹1 કરોડનું વળતર,
અને સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે.
'સંસદ ચલો' વિરોધ પ્રદર્શન
સોમવારે દિલ્હીમાં CJP અને તેના સમર્થકોએ 'સંસદ ચલો' વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. પ્રદર્શનકારીઓ NEET-UG પેપર લીક કેસ અને અન્ય પરીક્ષાઓમાં થયેલી કથિત અનિયમિતતાઓ માટે સરકાર પાસે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા હતા.
પોલીસ સાથે ઘર્ષણ
પ્રદર્શનકારીઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને બેરિકેડ પાર કરવાનો પ્રયાસ થતાં સ્થિતિ તંગ બની હતી.
લાઠીચાર્જના પણ અહેવાલ
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા બળપ્રયોગ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જોકે, આ અંગે પોલીસ તરફથી સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી.




