Rajkot: લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત ન આપતાં મિત્રએ છરીથી કર્યો હુમલો, જેતપુરમાં યુવક ગંભીર ઈજાગ્રસ્ત

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોબાઈલમાં રમાતી લુડો ગેમમાં પૈસાની શરતને લઈને મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. નવાગઢ વિસ્તારમાં લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા મિત્રએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Rahul Desai
Rahul Desai
Rajkot: લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત ન આપતાં મિત્રએ છરીથી કર્યો હુમલો, જેતપુરમાં યુવક ગંભીર ઈજાગ્રસ્તRajkot: લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત ન આપતાં મિત્રએ છરીથી કર્યો હુમલો, જેતપુરમાં યુવક ગંભીર ઈજાગ્રસ્ત

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોબાઈલમાં રમાતી લુડો ગેમમાં પૈસાની શરતને લઈને મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. નવાગઢ વિસ્તારમાં લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા મિત્રએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, જેતપુરના નવાગઢ વિસ્તારમાં બે મિત્રો મોબાઈલમાં લુડો ગેમ રમી રહ્યા હતા. આ ગેમ દરમિયાન પૈસાની શરત લાગી હતી. ફરિયાદ મુજબ, મુનાભાઈ મકવાણા લુડો ગેમમાં જીત્યા હતા. ગેમ પૂર્ણ થયા બાદ હારેલા રૂપિયા પરત આપવાની આરોપી વિરપાલે માંગણી કરી હતી.

જોકે, મુનાભાઈએ જીતેલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતાં બંને મિત્રો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

મોટરસાયકલની ચાવીને લઈને વિવાદ વકર્યો: 

વિવાદ દરમિયાન આરોપી વિરપાલે મુનાભાઈની મોટરસાયકલની ચાવી પણ લઈ લીધી હતી. મુનાભાઈ પોતાની ચાવી પરત લેવા જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે મુનાભાઈ પર હુમલો કર્યો હતો.

હુમલામાં મુનાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવતા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ગંભીર હાલતને પગલે જૂનાગઢ ખસેડાયો:

જેતપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી: 

ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપી વિરપાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગેમની શરત બની ગંભીર વિવાદનું કારણ: 

મોબાઈલમાં મનોરંજન માટે રમાતી લુડો ગેમમાં પૈસાની શરત રાખવામાં આવી હતી. માત્ર જીતેલા રૂપિયા પરત આપવાના મામલે શરૂ થયેલો સામાન્ય વિવાદ અંતે છરીના હુમલા સુધી પહોંચ્યો હતો. ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે મનોરંજન માટે રમાતી મોબાઈલ ગેમ જ્યારે પૈસાની શરત સાથે જોડાય છે ત્યારે તેનો વિવાદ કેટલો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.