જામનગરમાં ગાયબ થયો પડછાયો, લોકોએ જોયો ‘ઝીરો શેડો ડે’નો અદભુત ચમત્કાર



જામનગરમાં ગાયબ થયો પડછાયો, લોકોએ જોયો ‘ઝીરો શેડો ડે’નો અદભુત ચમત્કાર



જામનગર: શહેરમાં આજે કુદરત અને વિજ્ઞાનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકો પોતાના જ શરીરનો પડછાયો પળવાર માટે ગાયબ થતો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ‘ઝીરો શેડો ડે’ તરીકે ઓળખાતી આ દુર્લભ ખગોળીય ઘટનાએ વિદ્યાર્થીઓથી લઈને વિજ્ઞાનપ્રેમીઓ સુધી સૌને રોમાંચિત કરી દીધા હતા.
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ખગોળ મંડળ જામનગર અને રનતાળી ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ આ અનોખી ખગોળીય ઘટનાનું જીવંત પ્રદર્શન યોજાયું હતું.
પ્રદર્શન દરમિયાન લોકો પોતાના આંખે એક એવી ઘટના જોવા પહોંચ્યા હતા, જે વર્ષમાં માત્ર ખાસ સમયે જ જોવા મળે છે. સામાન્ય રીતે સૂર્યપ્રકાશના કારણે દરેક વ્યક્તિ કે વસ્તુનો પડછાયો દેખાય છે, પરંતુ જ્યારે સૂર્ય બરાબર માથાની ઉપર એટલે કે ઝેનિથ પોઈન્ટ પર પહોંચે છે, ત્યારે પડછાયો તેના તળિયે સમાઈ જાય છે અને લગભગ અદૃશ્ય થઈ જાય છે.
૪ જૂનના રોજ બપોરે જામનગરમાં સર્જાયેલા આ ખગોળીય નજારાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લોકો પોતાના પડછાયાને ગાયબ થતો જોઈ ઉત્સાહિત બન્યા હતા અને મોબાઇલમાં આ ક્ષણોને કેદ કરતા જોવા મળ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ખગોળવિદો અને વિજ્ઞાન નિષ્ણાતોએ ‘ઝીરો શેડો ડે’ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય સરળ ભાષામાં સમજાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને ખગોળવિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને રોમાંચક બની રહ્યો હતો.




