Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો, યુવાધનને તમાકુના વ્યસનથી બચાવવા નવતર પહેલ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાધનને તમાકુના વ્યસનથી બચાવવા અને સમાજમાં મૌખિક કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે રેલી, નુક્કડ નાટક અને ફ્લેશ મોબ જેવી અનેક નવતર પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ અભિયાન દ્વારા જિલ્લામાં વધતા તમાકુ સેવનના જોખમ અંગે લોકોમાં ગંભીર સંદેશ આપવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jun 2026 04:34 PM IST
જામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો, યુવાધનને તમાકુના વ્યસનથી બચાવવા નવતર પહેલજામનગરમાં ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો, યુવાધનને તમાકુના વ્યસનથી બચાવવા નવતર પહેલ

જામનગર: વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ યુવાધનને તમાકુના વ્યસનથી બચાવવાનો અને સમાજમાં તમાકુમુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

આ વર્ષની વૈશ્વિક થીમ “Unmasking the Appeal – Countering Nicotine and Tobacco Addiction” અંતર્ગત તમાકુ ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવતી ભ્રામક માર્કેટિંગ યુક્તિઓ, ફ્લેવર આધારિત પ્રોડક્ટ્સ અને ઈ-સિગારેટ જેવા આધુનિક ઉપકરણો અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં તમાકુ સેવનની સ્થિતિ ચિંતાજનક હોવાનું તબીબી આંકડાઓમાં સામે આવ્યું છે. અહીં તમાકુ સેવનની સરેરાશ શરૂઆતની ઉંમર માત્ર 10 વર્ષ હોવાનું નોંધાયું છે, જ્યારે 13 થી 15 વર્ષની વયના લગભગ 37% કિશોરો અને 15 થી 34 વર્ષની વયના 54%થી વધુ યુવાનો કોઈને કોઈ રૂપે તમાકુનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેન્ટલ કોલેજના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં મૌખિક કેન્સર સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ અને તમાકુ છોડવા માટે માર્ગદર્શન આપતા વિશેષ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં ગ્રામ્ય વિસ્તારો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શ્રમિક વર્ગ, સગર્ભા મહિલાઓ અને જોખમી વિસ્તારોના નાગરિકોને આવરી લેવામાં આવ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત “તમાકુ વિરોધી અંતિમયાત્રા રેલી”, નુક્કડ નાટક અને ફ્લેશ મોબ જેવી અનોખી પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના માધ્યમથી લોકોને તમાકુના જોખમ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો જામનગર રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ યોજાયા હતા.

સાથે જ આશા વર્કર અને આરોગ્ય કર્મચારીઓને તમાકુ નિવારણ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ ગામડાં સુધી જાગૃતિ અને સારવાર સેવાઓ પહોંચાડી શકે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર અભિયાનનો હેતુ જામનગરને તમાકુમુક્ત જિલ્લો બનાવવાનો છે અને લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.