Get News Alerts

Never miss breaking news updates.

જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ

Jamnagar News: ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’નું જામનગર શહેરની નવ દાયકા જૂની પ્રતિષ્ઠિત સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શહેરની વિવિધ પાંચ શાળાઓની બાળાઓને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.
Admin
AdminUpdated on: 29 Jun 2026 10:37 PM IST
જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવજામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ

Jamnagar News: ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’નું જામનગર શહેરની નવ દાયકા જૂની પ્રતિષ્ઠિત સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં શહેરની વિવિધ પાંચ શાળાઓની બાળાઓને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

આ સંયુક્ત કાર્યક્રમમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 6, શાળા નં. 38, શાળા નં. 5 અને શાળા નં. 41ની આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવતી નાની બાળાઓ, તેમજ સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલમાં ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે કંકુ તિલક કરીને શાળા પરિવારમાં આવકારવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસે વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રગતિ કરવા માટે પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. વધુમાં તેમણે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમના સુંદર આયોજન તથા સુશોભન બદલ શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓની જહેમતને બિરદાવી હતી.

આ મહોત્સવમાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અમિતભાઈ તન્ના, કોર્પોરેટર આશાબેન રાઠોડ, મંજુબેન બાંભણિયા, સંજયભાઈ દાઉદીયા, નીલેશભાઈ હાડા, દિનેશભાઈ ચૌહાણ, ભદ્રેશભાઈ ચૌહાણ તેમજ દર્શનભાઈ શેઠ અને પ્રમુખ બ્રિજેશભાઈ વોરા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે નવોદિત દીકરીઓને સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ જેવી શૈક્ષણિક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા માટે શાળા નં. 6ના આચાર્ય પ્રશાંતભાઈ માધવાચાર્ય, શાળા નં. 38ના આચાર્ય ધ્રુતીબેન વડાલીયા તથા સજુબા સરકારી શાળાના આચાર્ય બીનાબેન દવે અને તમામ શાળાઓના શિક્ષક સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.