જામનગરમાં ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સંવાદ


જામનગરમાં ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સંવાદ


જામનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરાયેલા ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી જામનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી મેળવી હતી.
ખેડૂતોને મળશે સીધા વેચાણ માટે સ્થાયી બજાર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર મળી રહે તે આ કેન્દ્રનો મુખ્ય હેતુ છે.
18 ખેડૂતો વેચી શકશે શાકભાજીથી લઈ ગોળ-તેલ સુધીની પેદાશો
‘પ્રાકૃતિક ખેડૂત હાટ’ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ તાલુકાના આશરે 18 પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી પોતાની પેદાશો પહોંચાડવાની તક મળશે. ખેડૂતો અહીં શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેલ, ગોળ તેમજ અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરી શકશે.
આ કેન્દ્રના કારણે ખેડૂતોને પોતાની પેદાશોના વેચાણ માટે નવું પ્લેટફોર્મ મળશે અને ગ્રાહકોને પણ રસાયણમુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સીધી ખરીદવાની તક મળશે.
રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા અને જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ. ઠક્કર, વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.




