જામનગરની પટેલ કોલોનીમાં પડતર મકાનમાં આગ; ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી



જામનગરની પટેલ કોલોનીમાં પડતર મકાનમાં આગ; ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી



જામનગર: જામનગર શહેરના 8 પટેલ કોલોની વિસ્તારમાં આવેલ એક પડતર મકાનમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ પડતર મકાનમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. આગની જાણ થતાં જ આસપાસના રહિશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
સૂચના મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારીઓની ઝડપી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી દેવામાં આવી હતી અને ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર ટીમના સમયસર પ્રતિસાદના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.




