જામનગરના મહાદેવ મંદિરમાં તસ્કરોનો તરખાટ, દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી



જામનગરના મહાદેવ મંદિરમાં તસ્કરોનો તરખાટ, દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી



જામનગર: શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં તસ્કરોએ ફરી એકવાર હાથફેરો કરતાં દાનપેટી તોડી અંદાજે ₹15 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિરમાં બીજી વખત ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તસ્કરોએ મોડી રાત્રે મંદિરને નિશાન બનાવી દાનપેટી તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી હતી. સવારે મંદિરના સંચાલકો અને ભક્તો પહોંચતા દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ દેખાતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈ તેના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ મંદિરમાં અગાઉ પણ ચોરીની ઘટના બની ચૂકી છે. તેમ છતાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે ફરી તસ્કરોને મોકો મળ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોએ મંદિર પરિસરમાં રાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની માંગ કરી છે.




