જામનગરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી: શહીદ સ્મારક ખાતે વીર જવાનોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ


જામનગરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી: શહીદ સ્મારક ખાતે વીર જવાનોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ


જામનગર: કારગિલ વિજય દિવસ નિમિત્તે જામનગરના લાખોટા તળાવની પાળ પર આવેલા શહીદ સ્મારક ખાતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માજી સૈનિકો, શહીદોના પરિવારજનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કારગિલ યુદ્ધના અમર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શહીદોના શૌર્ય, પરાક્રમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનોને ક્યારેય ભૂલાશે નહીં એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કારગિલના શહીદોએ દેશની અખંડિતતા અને સીમાઓની સુરક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેમની શૌર્યગાથા આજની અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમણે યુવાનોને દેશભક્તિની ભાવના સાથે દેશસેવામાં આગળ આવવા પણ અપીલ કરી હતી.
કારગિલ વિજય દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વીર જવાનોને કૃતજ્ઞતાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું અને દેશપ્રેમના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું.




