જામનગર જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો યથાવત, નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર



જામનગર જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો યથાવત, નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર



Jamnagar News: જામનગર જિલ્લા પંચાયતમાં નવા શાસનની સત્તાવાર શરૂઆત થઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના રંજનબેન ડી. જીવાણીની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. ધ્રોલ તાલુકાની ખારવા જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા રંજનબેન જીવાણીને હવે સમગ્ર જિલ્લા પંચાયતની કમાન સોંપવામાં આવી છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે પરેશભાઈ હીરપરાના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયતની સૌથી મહત્વપૂર્ણ ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે.
નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થતાં જ જામનગર ભાજપમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરો અને સમર્થકોએ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 24માંથી 19 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીને 3 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો.




