મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી: જામનગર હોમગાર્ડઝે તૈયાર કર્યા 12 હજારથી વધુ સિડ્ઝ-બોલ



મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણી: જામનગર હોમગાર્ડઝે તૈયાર કર્યા 12 હજારથી વધુ સિડ્ઝ-બોલ



જામનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના અવિરત સુશાસન અને સેવા કાર્યની ઉજવણી નિમિત્તે જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હરિયાળી ક્રાંતિના સંકલ્પને સાકાર કરવા માટે જિલ્લા હોમગાર્ડઝના સભ્યોએ 12 હજારથી વધુ સિડ્ઝ-બોલ તૈયાર કરીને પર્યાવરણ જતન માટે પ્રશંસનીય યોગદાન આપ્યું છે.
આ અભિયાન અંતર્ગત ચીકણી કાળી માટી અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા ગુણવત્તાસભર છાણના ખાતરનો ઉપયોગ કરીને સિડ્ઝ-બોલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, હરમો, વડલો, જાંબુડી, પીપળો અને ગુલમોહર જેવા પર્યાવરણને અનુકૂળ વૃક્ષોના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હોમગાર્ડઝ દ્વારા તૈયાર કરાયેલા આ તમામ સિડ્ઝ-બોલ આગામી દિવસોમાં જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ ચોમાસાની સિઝન પહેલાં વન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ અને વાવેતર કરીને હરિયાળી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ સમગ્ર અભિયાન જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ, જોડિયા અને ધ્રોલ યુનિટના અધિકારીઓ તેમજ જિલ્લા અને શહેર યુનિટના હોમગાર્ડઝ જવાનો અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ અભિયાનને સ્થાનિક સ્તરે પણ વ્યાપક પ્રશંસા મળી રહી છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝની આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભાવિ પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.




