જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે GPCBની લાલ આંખ, રાત્રિ સરપ્રાઈઝ ચેકિંગમાં બે એકમો ઝડપાયા


જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે GPCBની લાલ આંખ, રાત્રિ સરપ્રાઈઝ ચેકિંગમાં બે એકમો ઝડપાયા


જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને GPCBની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, વિવિધ GIDC વિસ્તારો તેમજ ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના અનેક ઔદ્યોગિક એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બે ઔદ્યોગિક એકમો બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે આ બંને એકમો સામે કડક કાર્યવાહી કરવા માટે ગાંધીનગર સ્થિત GPCBની મુખ્ય કચેરીને વિગતવાર અહેવાલ મોકલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ એકમો સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
GPCBના આંકડા મુજબ છેલ્લા ત્રણ મહિનામાં પણ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન 21 ઔદ્યોગિક એકમોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 10 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારવામાં આવી હતી. ઉપરાંત પર્યાવરણના નિયમોનું સતત ઉલ્લંઘન કરનાર 13 એકમો સામે ક્લોઝર ઓર્ડર પણ જારી કરવામાં આવ્યા હતા.
GPCBના અધિકારીઓએ જણાવ્યું હતું કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરતા ઉદ્યોગો સામે આગામી સમયમાં પણ નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. બોર્ડનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે અને પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.




