જામનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: 38 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 171 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ


જામનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: 38 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 171 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ


જામનગર: શહેરમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના વેચાણ સામે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની ટીમે શહેરની 38 હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીઓમાં સઘન તપાસ કરી હતી.
તપાસ દરમિયાન સ્થળ પરથી મળેલા 171 કિલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે એક્સપાયરી ડેટવાળા 17 પેકેટ ખાદ્ય ઉત્પાદનો પણ જપ્ત કરીને નાશ કરાયા હતા.
ફૂડ વિભાગની તપાસમાં 53 કિલો પ્રિ-મિક્સ પેસ્ટ પણ બિનઉપયોગી જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને સ્વચ્છતા તથા ગુણવત્તા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરમાં બિનલાઇસન્સ મટન વેચતી પેઢી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અનહાઇજિનિક પરિસ્થિતિમાં મળેલી એક પેઢીમાંથી 15 કિલો ખાદ્યપદાર્થોનો પણ નાશ કરાયો હતો.
ફૂડ વિભાગ દ્વારા મરચું પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂનાઓ સહિત કુલ 8 ખાદ્ય નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેરડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ફૂડ વિભાગે વેપારીઓને ફૂડ સેફ્ટી નિયમોનું પાલન કરવા અને લોકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ખોરાક આપવા અપીલ કરી છે.




