Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં ફાયર NOC વિના ચાલતા ટ્યુશન ક્લાસ પર તવાઈ, 3 ક્લાસિસ સીલ

Jamnagar News: જામનગરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ફરી એક્શનમાં આવી છે. ફાયર એનઓસી અને જરૂરી સલામતીના સાધનો વિના ચાલી રહેલા ટ્યુશન ક્લાસ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ત્રણ ટ્યુશન ક્લાસમાં ગંભીર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસ સીલ કરી દેવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 29 Jun 2026 08:54 PM IST
જામનગરમાં ફાયર NOC વિના ચાલતા ટ્યુશન ક્લાસ પર તવાઈ, 3 ક્લાસિસ સીલજામનગરમાં ફાયર NOC વિના ચાલતા ટ્યુશન ક્લાસ પર તવાઈ, 3 ક્લાસિસ સીલ

Jamnagar News: જામનગરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ફરી એક્શનમાં આવી છે. ફાયર એનઓસી અને જરૂરી સલામતીના સાધનો વિના ચાલી રહેલા ટ્યુશન ક્લાસ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ત્રણ ટ્યુશન ક્લાસમાં ગંભીર બેદરકારી સામે આવતા વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસ સીલ કરી દેવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાએ ત્રણ દિવસના વિરામ બાદ શહેરમાં ટ્યુશન ક્લાસોની ફાયર સલામતી અંગે વિશેષ ચકાસણી ઝુંબેશ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જૂના દીપક સિનેમા નજીક આવેલા દીપક શોપિંગ સેન્ટરના ત્રીજા માળે ચાલતા ઓમ ટ્યુશન ક્લાસ અને મોરલ ટ્યુશન ક્લાસમાં કોઈપણ પ્રકારની ફાયર સલામતી વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બંને સંસ્થાઓ પાસે જરૂરી ફાયર એનઓસી પણ ન હતી. 

ત્યારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ક્લાસમાં હાજર વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને બંને ક્લાસને સીલ મારી સંચાલકોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસે આવેલા કે.ડી. એકેડમીમાં તપાસ હાથ ધરી હતી. અહીં પણ ફાયર સલામતીના સાધનો અને ફાયર એનઓસીનો અભાવ જોવા મળતા વિદ્યાર્થીઓને નીચે ઉતારી ક્લાસ ખાલી કરાવવામાં આવ્યો હતો અને ક્લાસને સીલ કરી દેવાયો હતો.

રણજીતનગર વિસ્તારમાં જ આવેલા અન્ય એક ટ્યુશન ક્લાસ પાસે ફાયર એનઓસી મળી આવી હતી, પરંતુ ફાયર સિસ્ટમ અને સાધનોની કાર્યક્ષમતાની પુનઃ ચકાસણી કરવા સંચાલકને નોટિસ આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી ફાયર ઓફિસર અનવર ગજ્જણ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતની ફાયર બ્રિગેડની ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ તમામ ટ્યુશન ક્લાસ સંચાલકોને ફાયર સલામતીના નિયમોનું પાલન કરી જરૂરી એનઓસી મેળવ્યા બાદ જ સંસ્થા શરૂ કરવા સૂચના આપી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.