જામનગરમાં નિર્દોષ શ્વાન પર ક્રૂરતાનો કહેર: CCTVમાં કેદ થયો અમાનવીય હુમલો, જીવદયાપ્રેમીઓમાં રોષ



જામનગરમાં નિર્દોષ શ્વાન પર ક્રૂરતાનો કહેર: CCTVમાં કેદ થયો અમાનવીય હુમલો, જીવદયાપ્રેમીઓમાં રોષ



જામનગર જામનગર શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. કામદાર કોલોની નજીકના વિસ્તારમાં શેરીમાં શાંતિથી સૂઈ રહેલા એક નિર્દોષ શ્વાન પર અજાણ્યા વ્યક્તિએ લાકડી વડે નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હોવાનો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીવદયાપ્રેમીઓ, પશુપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે શ્વાન રસ્તા પર શાંતિથી આરામ કરી રહ્યું હતું અને કોઈને પણ હેરાન કરતું નહોતું. તેમ છતાં એક વ્યક્તિ ત્યાં પહોંચીને તેના પર લાકડી વડે વારંવાર ફટકા મારતો જોવા મળે છે. નિર્દોષ અને નિઃસહાય પ્રાણી સાથેની આ ક્રૂર હરકતે અનેક લોકોને ઝંઝોળી નાખ્યા છે.
ઘટનાને લઈને પશુપ્રેમી સંસ્થાઓ પણ સક્રિય બની છે. વન રૂફ એનિમલ કેર સંસ્થાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ જવાબદાર વ્યક્તિની ઓળખ કરી તેની સામે પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સંસ્થાના આગેવાનો દ્વારા તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જીવદયાપ્રેમીઓનું કહેવું છે કે બોલી ન શકતા જીવજંતુઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. હાલ સમગ્ર શહેરની નજર તંત્રની કાર્યવાહી પર છે કે CCTVના આધારે આરોપીને શોધી તેની સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.




