જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹1346.35 લાખના 414 વિકાસ કામોને મંજૂરી



જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹1346.35 લાખના 414 વિકાસ કામોને મંજૂરી



જામનગર: જામનગર જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠક જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી. પંડ્યાની હાજરીમાં યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રભારીમંત્રી ઓનલાઈન જોડાયા હતા અને વિવિધ વિભાગો દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે માર્ગ અને મકાન, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ અને શહેરી સુવિધાઓ સહિતના પ્રકલ્પોની સમીક્ષા કરીને અધિકારીઓને સમયબદ્ધ અને ગુણવત્તાસભર કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.
પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ અનુસાર જિલ્લાના દરેક વિસ્તારમાં વિકાસના લાભો પહોંચાડવા માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. તેમણે જનહિતને કેન્દ્રમાં રાખીને વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં જામનગર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર અને જામજોધપુર તાલુકા તેમજ ધ્રોલ, કાલાવડ, સિક્કા અને જામજોધપુર નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે કુલ ₹1346.35 લાખના 414 કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




