સાંસદ પૂનમબેન માડમે અધિકારીઓને આપ્યા નિર્દેશ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવો



સાંસદ પૂનમબેન માડમે અધિકારીઓને આપ્યા નિર્દેશ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવો



જામનગર: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિ (District Development Coordination and Monitoring Committee)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રેલવે, ગ્રામ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI), આવાસ અને શહેરી વિકાસ, જળ સંસાધન, પીવાનું પાણી, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, પશુપાલન, માર્ગ પરિવહન અને વન વિભાગ સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 101થી વધુ જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ તેમજ લાભાર્થીઓને મળતા લાભોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશન મારફતે યોજનાઓની વર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ અને આગામી કાર્યયોજનાની માહિતી રજૂ કરી હતી. બેઠકમાં યોજનાઓના અમલીકરણમાં બાકી રહેલા પ્રશ્નો અને પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ પૂનમબેન માડમે અધિકારીઓને સૂચના આપી હતી કે કેન્દ્ર સરકારની દરેક યોજના સમયસર અને પારદર્શક રીતે પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવામાં આવે. તેમણે વિકાસકાર્યોમાં ગુણવત્તા જાળવવા, વિભાગો વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા અને બાકી રહેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે લોકોના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં હકારાત્મક રીતે ઉકેલવામાં આવે અને વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે. સાથે જ યોજનાઓ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે પણ અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત લોકપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોને લગતા વિકાસલક્ષી પ્રશ્નો અને લોકહિતની રજૂઆતો કરી હતી. સાંસદે તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોને સમયબદ્ધ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), પીએમ-કિસાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પીએમ કુસુમ યોજના, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત મિશન, AMRUT 2.0, સ્માર્ટ સિટી મિશન, બેટી બચાવો-બેટી પઢાવો, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પીએમ સ્વનિધિ યોજના, ઉજ્જ્વલા યોજના 2.0, MPLADS સહિત કેન્દ્ર સરકારની અનેક મહત્વપૂર્ણ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




