Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં પશુ ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો: કૃત્રિમ રંગમાં ડૂબાડી 5 હજાર મરઘીના બચ્ચા વેચાતા ઝડપાયા

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પશુ ક્રૂરતાનો હચમચાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળથી આવેલા બે શખ્સો કૃત્રિમ રંગોથી મરઘીના બચ્ચાઓને રંગીન બનાવી વેચતા હોવાનું બહાર આવ્યું છે. જીવદયા પ્રેમીઓએ સમયસર કાર્યવાહી કરતાં ભાડાના મકાનમાંથી આશરે 5 હજાર બચ્ચાઓ મળી આવ્યા હતા, જેને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 Jun 2026 12:16 PM IST
જામનગરમાં પશુ ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો: કૃત્રિમ રંગમાં ડૂબાડી 5 હજાર મરઘીના બચ્ચા વેચાતા ઝડપાયાજામનગરમાં પશુ ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો: કૃત્રિમ રંગમાં ડૂબાડી 5 હજાર મરઘીના બચ્ચા વેચાતા ઝડપાયા

જામનગર જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ભાડાના મકાનમાં મરઘીના બચ્ચાઓ સાથે થઈ રહેલી ક્રૂરતાનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ પશ્ચિમ બંગાળના બે શખ્સો જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં વેચાણ માટે મરઘીના બચ્ચાઓને કૃત્રિમ રંગના પાણીમાં ડૂબાડી રંગીન બનાવી રહ્યા હતા.

આ અંગેની જાણ થતાં જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન ભાડાના મકાનમાંથી અંદાજે 5 હજાર જેટલા રંગીન મરઘીના બચ્ચા મળી આવ્યા હતા. માસૂમ બચ્ચાઓને આકર્ષક દેખાડવા માટે કેમિકલયુક્ત રંગમાં ઝબોળવામાં આવતાં હોવાનો ખુલાસો થતાં હાજર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

જીવદયા સંસ્થાના કાર્યકરોએ અનેક બચ્ચાઓને સ્થળ પરથી બચાવી લીધા હતા. કેટલાક સેવાભાવીઓએ બચ્ચાઓને ખરીદી સુરક્ષિત રીતે જીવદયા સંસ્થામાં પહોંચાડ્યા હતા, જ્યાં તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાએ પશુપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે. માસૂમ જીવ સાથે આ પ્રકારની ક્રૂરતા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.