જામનગરમાં ધોળા દિવસે ₹15 લાખની લૂંટથી ચકચાર, નકલી સોનાની માળાનો ખેલ કરી છેતરપિંડી



જામનગરમાં ધોળા દિવસે ₹15 લાખની લૂંટથી ચકચાર, નકલી સોનાની માળાનો ખેલ કરી છેતરપિંડી



જામનગર: શહેરમાં જી.જી. હોસ્પિટલ રોડ પર આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે ધોળા દિવસે સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. અહીં નકલી સોનાની માળાનો ઉપયોગ કરીને કરવામાં આવેલા કૌભાંડમાં ₹15 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
માહિતી મુજબ, આરોપીઓએ અસલી સોનાની માળા બતાવી ખરીદદાર સાથે સોદો કર્યો હતો અને બાદમાં નકલી માળા પધરાવી ₹15 લાખ પડાવી લેવાનો કારસો રચ્યો હતો.
જ્યારે ભોગ બનનાર દ્વારા માળા ચકાસવાની વાત કરવામાં આવી ત્યારે આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે “જો દર્દી મરી જશે તો તમને ખૂનના કેસમાં ફસાવી દેશું,” જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન આરોપીઓએ ભોગ બનનાર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ઓખાના એક આધેડ વ્યક્તિ લૂંટનો ભોગ બન્યા છે.
ઘટનાની જાણ થતા જ ભોગ બનનાર દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરેટના સીટી ‘બી’ ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધીના આદેશ આપવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલે નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કલમ 308(6) અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ એસ.જી. કેશવાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




