વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, સમજદારીપૂર્વક કરી બેટિંગ



વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, સમજદારીપૂર્વક કરી બેટિંગ



IPL 2026: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2026ના (IPL 2026) ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર તેની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જો કે, આ વખતે તેની ઇનિંગ ફક્ત વિસ્ફોટક શોટ સુધી મર્યાદિત ન હતી, પરંતુ મેચની પરિસ્થિતિ અનુસાર રમાયેલી સંયમ, સમજણ અને જવાબદાર બેટિંગ પણ દર્શાવી હતી.
શુક્રવારે (29 મે)ના રોજ ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન આઠ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા અને 204.26ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, વૈભવે શરૂઆતની ઓવરોમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી અને વિકેટ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પછી એકવાર તે સેટ થઈ ગયો, ત્યારે તેણે ગુજરાતના બોલરો સામે ધડાધડ રન ફટાકર્યા હતા. આ જ કારણે તેની ઇનિંગ બાકીની ઇનિંગથી અલગ દેખાઈ હતી.
વૈભવને કાગીસો રબાડાએ 96 રન બનાવીને આઉટ કર્યો હતો. IPLમાં આ તેમનો ત્રીજો પ્રસંગ હતો, જ્યારે તેઓ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા હતા. તેનાથી તેઓ 90ના દાયકામાં IPLમાં સૌથી વધુ આઉટ થનારા બેટ્સમેનોમાં ડેવિડ વોર્નર, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ અને રૂતુરાજ ગાયકવાડની યાદીમાં સામેલ થઈ ગયા.
તેમની શાનદાર ઇનિંગ્સને કારણે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જ્યારે ડોનોવન ફરેરાએ માત્ર 11 બોલમાં 38 રન ફટકારીને ટીમને મજબૂત ફિનિશ અપાવ્યો હતો.
આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ પણ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. તે IPL ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 1000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેણે ફક્ત 440 બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. આ પહેલાં આ રેકોર્ડ આન્દ્રે રસેલના નામે હતો, જેણે 545 બોલમાં 1000 રન પૂરા કર્યા હતા.
વૈભવ આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કરનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 23 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી. શોન માર્શ 21 ઇનિંગ્સ સાથે યાદીમાં ટોચ પર છે.
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં અત્યાર સુધીમાં 775 રન બનાવ્યા છે, જે એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પાંચમા સ્થાને છે. વિરાટ કોહલી 2016 માં 973 રન સાથે હજુ પણ આ યાદીમાં સૌથી આગળ છે. વૈભવ સૂર્યવંશી જે રીતે નાની ઉંમરે રેકોર્ડ તોડતો રહે છે તેણે ભારતીય ક્રિકેટને ભવિષ્યનો સુપરસ્ટાર આપ્યો છે.
એક જ IPL આવૃત્તિમાં સૌથી વધુ રન
973 - વિરાટ કોહલી 2016માં (SR: 152.03)
890 - શુભમન ગિલ 2023માં (SR: 157.8)
863 - જોસ બટલર 2022માં (SR: 149.05)
848 - ડેવિડ વોર્નર 2016માં (SR: 151.42)
775 - વૈભવ સૂર્યવંશી 2026માં (SR: 237)
759 - સાઈ સુદર્શન 2025માં (SR: 156.17)
IPLમાં 90ના દાયકામાં સૌથી વધુ આઉટ થનારા બેટ્સમેન:
3 - ડેવિડ વોર્નર
3 - કેએલ રાહુલ
3 - ગ્લેન મેક્સવેલ
3 - રુતુરાજ ગાયકવાડ
3 - વૈભવ સૂર્યવંશી
1000 IPL રન પૂરા કરવા માટે સૌથી ઓછા બોલ રમ્યા:
440 - વૈભવ સૂર્યવંશી
545 - આન્દ્રે રસેલ
560 - ટિમ ડેવિડ
575 - ટ્રેવિસ હેડ
575 - ફિલ સોલ્ટ
594 - હેનરિક ક્લાસેન
604 - વીરેન્દ્ર સેહવાગ
સૌથી ઝડપી 1000 IPL રન (ઈનિંગ્સ):
21 - શોન માર્શ
23 - લેન્ડલ સિમન્સ
23 - વૈભવ સૂર્યવંશી
24 - ડેવોન કોનવે
25 - મેથ્યુ હેડન
25 - સાઈ સુદર્શન




