અમેરિકાના આયોવામાં ગોળીબારથી સનસનાટી, 7 લોકોના મોત



AI Image
અમેરિકાના આયોવામાં ગોળીબારથી સનસનાટી, 7 લોકોના મોત



AI Image
અમેરિકા અમેરિકાના આયોવા રાજ્યમાંથી ફરી એકવાર ગોળીબારની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મસ્કટાઇન શહેરમાં અલગ-અલગ સ્થળોએ થયેલા ગોળીબારમાં શંકાસ્પદ હુમલાખોર સહિત કુલ 7 લોકોના મોત થયા છે.
ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા
મસ્કટાઇન પોલીસના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે લગભગ 12:12 વાગ્યે એક ઘરમાં ગોળીબાર થયો હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં ઘરની અંદર ચાર લોકો ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. તબીબોએ ચારેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા.
શંકાસ્પદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી
તપાસ દરમિયાન પોલીસે 52 વર્ષીય વ્યક્તિને મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ તે ઘરેથી ભાગી ગયો હતો. બાદમાં તે રિવરફ્રન્ટ ટ્રેલ વિસ્તારમાં ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તેણે પોતાને જ ગોળી મારી હતી. તેને પણ ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અન્ય બે સ્થળોએ પણ મળ્યા મૃતદેહ
પોલીસની વધુ તપાસ દરમિયાન અન્ય એક રહેણાંક મકાન અને સ્થાનિક બજારમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે મૃત્યુઆંક વધીને 7 પર પહોંચી ગયો હતો.
ઘરેલુ વિવાદ ગોળીબારનું કારણ હોવાની આશંકા
પોલીસે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આ સમગ્ર ઘટના ઘરેલુ વિવાદનું પરિણામ હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકો હુમલાખોરના જ પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટનાની તપાસ યથાવત
પોલીસ અને તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ગોળીબાર પાછળના ચોક્કસ કારણો અને અન્ય સંભવિત પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લુઇઝિયાનાની ઘટનાની તાજી થઈ યાદ
આ ઘટનાએ લગભગ દોઢ મહિના પહેલાં અમેરિકાના લુઇઝિયાના રાજ્યમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાની યાદ તાજી કરી છે. 19 એપ્રિલે શ્રેવપોર્ટ શહેરમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના 8 બાળકોની ગોળી મારી હત્યા કરી હતી.
1થી 14 વર્ષની ઉંમરના બાળકો બન્યા હતા ભોગ
મૃત બાળકોની ઉંમર 1થી 14 વર્ષ વચ્ચે હતી. જેમાં 7 બાળકો તેના પોતાના હતા જ્યારે એક બાળક તેનો ભત્રીજો હતો. હુમલા સમયે તમામ બાળકો ઊંઘમાં હતા. આ ઘટનામાં પણ ઘરેલુ વિવાદ જ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું હતું.
અમેરિકામાં ફરી વધતી ગન વાયોલન્સની ચિંતા
આયોવાની આ ઘટનાએ અમેરિકામાં વધતી ગન વાયોલન્સ અને ઘરેલુ વિવાદોથી સર્જાતી જીવલેણ ઘટનાઓ અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સતત બનતી આવી ઘટનાઓને કારણે સુરક્ષા અને હથિયાર નિયંત્રણ અંગે ચર્ચા તેજ બની છે.




