દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી



દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી



દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ 17 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 જૂનથી આગામી કેટલાક દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને કેટલાક મધ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
IMD અનુસાર બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોમાં આજે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 8થી 13 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં 8થી 10 જૂન વચ્ચે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
રાજધાની દિલ્હીમાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને અનેક વિસ્તારોમાં લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 9 અને 10 જૂને પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશમાં સહારનપુર, મેરઠ, ગાઝિયાબાદ, નોઇડા, મથુરા અને આગ્રા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 9થી 11 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં હીટવેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
બિહારમાં વેસ્ટ ચંપારણ, ખગડિયા, બાંકા, મુંગેર, જામુઈ અને સુપૌલ સહિતના જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં 10 અને 11 જૂને વરસાદ સાથે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજસ્થાનમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને આંધીનું એલર્ટ છે, જ્યારે શ્રીગંગાનગર, જૈસલમેર અને બાડમેર જેવા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.




