ભારત-UK વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ, સુરતના હીરા બજાર માટે ગેમ ચેન્જર



ભારત-UK વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ, સુરતના હીરા બજાર માટે ગેમ ચેન્જર



Surat Diamond Market: ભારત અને યુકે વચ્ચે થયેલો ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. જે સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કરાર અમલમાં આવ્યા બાદ ભારતના 99 ટકા ઉત્પાદનો પર યુકેમાં લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે. જેના કારણે ભારતીય નિકાસકારોને મોટો લાભ મળશે.
હાલમાં કેટલાક ઉત્પાદનો પર લાગતો અંદાજે 24.5 ટકા સુધીનો ટેક્સ નાબૂદ થતાં ભારતીય ઉત્પાદનોને યુકેના પ્રિમિયમ માર્કેટમાં ડ્યૂટી-ફ્રી પ્રવેશ મળશે. હીરા ઉદ્યોગના નિષ્ણાત દિનેશ નાવડીયાએ આ કરારને ઉદ્યોગ માટે સંજીવની સમાન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક મંદીના પડકારો વચ્ચે આ કરાર ભારતીય નિકાસકારો માટે નવી તકોના દ્વાર ખોલશે.
યુકેનું જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ અંદાજે 48 હજાર કરોડ રૂપિયાનું હોવાનું માનવામાં આવે છે. ઊંચા ટેક્સના કારણે અત્યાર સુધી ભારતનો આ બજારમાં હિસ્સો માત્ર 3 ટકા જેટલો રહ્યો હતો, પરંતુ હવે દુબઈ અને હોંગકોંગ જેવા સ્પર્ધકો સામે ભારતને કિંમતોમાં મોટો ફાયદો મળશે.
આ કરારથી સુરતના હીરા અને સ્ટડેડ જ્વેલરી ઉત્પાદકોને સીધો લાભ થવાની શક્યતા છે. આગામી અઢી વર્ષમાં યુકેમાં નિકાસ 3 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વધતા નિકાસ ઓર્ડરોને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે ડાયમંડ, જ્વેલરી, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ સર્જાશે. ઉદ્યોગકારોનું માનવું છે કે, યુકેના બજારમાં મજબૂત પકડ બનાવવા ગુણવત્તા અને સમયસર સપ્લાય જાળવવી અત્યંત જરૂરી રહેશે.




