શામલીમાં CM યોગીનો વિરોધ પક્ષ પર આકરો પ્રહાર, કહ્યું- 'જિન્નાહના ઉપાસકો' વિકાસ અને વારસાના વિરોધી છે


શામલીમાં CM યોગીનો વિરોધ પક્ષ પર આકરો પ્રહાર, કહ્યું- 'જિન્નાહના ઉપાસકો' વિકાસ અને વારસાના વિરોધી છે


Yogi Adityanath Shamli Development Projects: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શામલીમાં 581 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ 89 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે આયોજિત જાહેરસભામાં તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહાર કરતાં બંને પક્ષોને 'જિન્નાના ઉપાસક' ગણાવ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે વર્ષ 2017 પહેલાં રાજ્યમાં વિકાસના કામો અટવાયેલા હતા અને વીજળી, સુરક્ષા તથા આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ નબળી હતી. જોકે, ડબલ એન્જિન સરકાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં વિકાસ અને કાયદો-વ્યવસ્થામાં ઐતિહાસિક સુધારો થયો છે.
તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે શામલી આતંક, ગુંડાગીરી અને સ્થળાંતર માટે ઓળખાતું હતું, પરંતુ આજે આ જિલ્લો વિકાસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. દિલ્હી-દેહરાદૂન, શામલી-અંબાલા અને પ્રસ્તાવિત શામલી-ગોરખપુર એક્સપ્રેસવેના કારણે આવનારા સમયમાં શામલી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને NCR માટે મહત્વનું વિકાસ કેન્દ્ર બનશે. કાયદો-વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં યોગીએ કહ્યું કે તેમણે માફિયાઓને જેલ અથવા જહન્નમ સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો અને આજે તે સંકલ્પ સફળ સાબિત થયો છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં હવે વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં જીવન જીવી રહ્યા છે.
ખેડૂતો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે વર્ષ 2017માં શેરડીની મિલો સંકટમાં હતી, જ્યારે હાલ રાજ્યમાં 122 શેરડી મિલો કાર્યરત છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 400નો ભાવ મળી રહ્યો છે અને ઉત્તર પ્રદેશ આજે શેરડી, ખાંડ અને ઇથેનોલ ઉત્પાદનમાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. કાંવડ યાત્રા અંગે તેમણે શ્રદ્ધાળુઓને યાત્રાની ગૌરવ જાળવવા અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ અસામાજિક તત્વ યાત્રાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે તો તેને તાત્કાલિક અલગ કરી દેવું જોઈએ.




