નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ


નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ


Sukhbir Singh Badal Attack: બાદલ પર ગુરુદ્વારા પરિસરમાં હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, એક નિહંગ શીખે તેમના પર ધારદાર હથિયાર, કૃપાણથી હુમલો કર્યો હતો. ઘટનામાં બાદલના હાથમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર માટે નાંદેડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુરુદ્વારા પરિસરમાં થયો હુમલો
મળતી માહિતી મુજબ, નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના ગુરુદ્વારા ખાતે આ ઘટના બની હતી. સુખબીર સિંહ બાદલ ત્યાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે એક નિહંગે તેમના પર કૃપાણથી હુમલો કર્યો હતો. તેમની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે. હુમલા બાદ સુરક્ષા કર્મચારીઓ અને અન્ય લોકોએ તાત્કાલિક સ્થિતિ સંભાળી હતી. પોલીસે હુમલાના આરોપીને કસ્ટડીમાં લીધો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
સુખબીર બાદલ હોસ્પિટલમાં દાખલ
હુમલા બાદ સુખબીર સિંહ બાદલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે ગુરુદ્વારા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
અગાઉ પણ થયો હતો જીવલેણ હુમલો
સુખબીર સિંહ બાદલ પર અગાઉ પણ ડિસેમ્બર 2024માં અમૃતસરના સ્વર્ણ મંદિર ખાતે હુમલાનો પ્રયાસ થયો હતો. તેઓ ધાર્મિક સજા હેઠળ સેવા કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારી અને ત્યાં હાજર લોકોએ હુમલાખોરને ઝડપી લીધો હતો અને બાદલ બચી ગયા હતા. બે વર્ષથી પણ ઓછા સમયમાં સુખબીર સિંહ બાદલ પર ફરી હુમલો થતાં તેમની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે.




