CM શુભેન્દુ અધિકારીની મોટી જાહેરાત, આરજી કર મેડિકલ કોલેજ કૌભાંડની નવેસરથી તપાસ થશે


CM શુભેન્દુ અધિકારીની મોટી જાહેરાત, આરજી કર મેડિકલ કોલેજ કૌભાંડની નવેસરથી તપાસ થશે


RG Kar Medical College Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2024માં બનેલા મહિલા ડોક્ટરના રેપ અને હત્યા કેસની નવા સિરે તપાસ કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ તે સમયે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. શુભેન્દુ અધિકારીના જણાવ્યા મુજબ, મૃત મહિલા ડોક્ટરની માતાની વિનંતી બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મૃતકની માતાએ તેમને પત્ર લખીને કેસની નવા સિરે તપાસ કરવાની માંગ કરી હતી. મુખ્ય સચિવ અને નિષ્ણાતોની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ Special Commission Act, 1952 હેઠળ નવી તપાસની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસની કામગીરી પર ગંભીર સવાલ
શુભેન્દુ અધિકારીએ આ કેસમાં પોલીસ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ મહિલા ડોક્ટરના અંતિમ સંસ્કાર દરમિયાન થયેલી કથિત બેદરકારીની પણ અલગથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું છે આરજી કર મેડિકલ કોલેજ કાંડ?
ઓગસ્ટ 2024માં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ ટ્રેની મહિલા ડોક્ટરનો મૃતદેહ હોસ્પિટલના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. શરીર પર ગંભીર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જુનિયર ડોક્ટરોએ લાંબા સમય સુધી હડતાળ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.
સંજય રોયની ધરપકડથી CBI તપાસ સુધી
કોલકાતા પોલીસે 10 ઓગસ્ટ 2024ના રોજ હોસ્પિટલના સિવિક વોલન્ટિયર સંજય રોયની ધરપકડ કરી હતી. ત્યારબાદ કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ 13 ઓગસ્ટ 2024ના રોજ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. જાન્યુઆરી 2025માં કોલકાતાની વિશેષ અદાલતે સંજય રોયને મુખ્ય આરોપી તરીકે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, મૃતકના પરિવાર દ્વારા ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી.
ડૉ. સંદીપ ઘોષ સામે પણ કાર્યવાહી
આ કેસમાં આરજી કર મેડિકલ કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ સામે પુરાવા સાથે ચેડા અને નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આરોપો લાગ્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હવે ફરી તપાસથી શું સામે આવશે?
આ કેસમાં મૃતકના માતા-પિતાએ શરૂઆતથી જ આશંકા વ્યક્ત કરી હતી કે આ ગુનામાં એકથી વધુ લોકોની સંડોવણી હોઈ શકે છે. આ આશંકા બાદ મે 2026માં કલકત્તા હાઈકોર્ટે CBIની 3 સભ્યોની Special Investigation Team (SIT)ની રચના કરી હતી. હાલ SIT દ્વારા કેસની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. હવે નવા સિરે તપાસની જાહેરાત બાદ આ કેસમાં અગાઉની તપાસ, અન્ય સંભવિત આરોપીઓ, પુરાવા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.




